ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં લેવાયેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના પરિણામ અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. શક્યતા છે કે આ પરિણામ વહેલું જાહેર થશે, અને બોર્ડે તેની તૈયારીઓ શરૂ કરી છે. અપેક્ષા છે કે પરિણામ એપ્રિલના અંતમાં જાહેર થશે. પરિણામ ઝડપથી જાહેર થાય તો હાયર એજ્યુકેશનની એડમિશન પ્રક્રિયા સરળ બની શકે, જેથી બોર્ડ તેની કામગીરી ઝડપી ગતિએ આગળ ધપી રહ્યું છે.

ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાના પરિણામને લઈને મહત્વના સમાચાર
સામાન્ય રીતે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માર્ચના બીજા કે ત્રીજા અઠવાડિયામાં લેવાતી, પરંતુ આ વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં પરીક્ષા લેવામાં આવી હતી. પરિણામની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ઉત્તરવહીઓ ચકાસવાની કામગીરી વહેલી શરૂ કરવામાં આવી હતી, જે હવે પૂર્ણતાના આરે પહોંચી છે.
બોર્ડ દ્વારા આ વર્ષે 10 માર્ચે પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ બીજા દિવસથી ઉત્તરવહીઓ ચકાસવાનું કામ આરંભાયું. આ કાર્ય માટે 65,000 થી વધુ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. રાજ્યભરમાં 450થી વધુ મૂલ્યાંકન કેન્દ્રો પર પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે, અને હવે પરિણામ વહેલી તકે જાહેર કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.